ગુજરાતમાં હાલ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે જોવા મળતી કડકડતી ઠંડી આ વર્ષે હજી સુધી પૂરેપૂરી અસરકારક બની નથી. રાજ્યના હવામાનમાં આ વર્ષે સતત બદલાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડીની તીવ્રતા પણ દિવસપ્રતિદિન બદલાતી રહે છે.
ક્યારેક રાજ્યમાં હાડ થીજવી દે તેવી કડક ઠંડી અનુભવાય છે તો ક્યારેક માત્ર સામાન્ય ઠંડીનો અહેસાસ રહે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ અસ્થિરતાનું મુખ્ય કારણ અલગ-અલગ સાઇક્લોનિક સિસ્ટમો અને પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) છે, જેના પ્રભાવથી પવનની દિશા અને તાપમાનમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે.
આ બદલાતા હવામાનની સૌથી મોટી અસર શિયાળુ પાકની ખેતી કરતા ખેડૂતો પર પડી રહી છે. ઠંડીમાં અચાનક વધઘટ થવાથી ઘઉં, ચણા, જીરૂ સહિતના પાક પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા સેવાઈ રહી છે. ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઉતાર-ચઢાવ રહેવાની આગાહી કરી છે અને ખેડૂતોને હવામાન અપડેટ પર સતત નજર રાખવાની સલાહ આપી છે.


