રાજકોટ: ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાજકોટના વિશેષ મહેમાન બન્યા છે. રાષ્ટ્રપતિના આ મહત્વપૂર્ણ પ્રવાસને લઈ શહેરમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ મુર્મુનું રાજકોટ એરપોર્ટ પર રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમન બાદ કાફલો સીધો સર્કિટ હાઉસ તરફ રવાના થયો, જ્યાં તેઓ આજે રાત્રે રોકાણ કરશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા રાષ્ટ્રપતિના રોકાણ અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરાયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી સર્કિટ હાઉસ આસપાસનો વિસ્તાર સંપૂર્ણ કડક સુરક્ષામાં રાખવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિના આ પ્રવાસને પગલે તંત્ર, પોલીસ અને પ્રશાસન એલર્ટ મોડ પર છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું યોગ્ય ડાયવર્ઝન અને વીઆઈપી રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આ પ્રવાસથી રાજકોટને ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળી છે. શહેરવાસીઓ માટે આ ગૌરવનો પળ છે.