બગડતી સુરક્ષા પરિસ્થિતિને કારણે દેશમાં રાજકીય વિખવાદો સર્જાયા છે અને તે વારંવાર બળવા માટેનું બહાનું બની ગયું છે. લશ્કરી નેતા, ઇબ્રાહિમ ટ્રોરે, રાજકીય અને લશ્કરી સાથીઓનું પુનર્ગઠન કરવા છતાં, ઇસ્લામિક જૂથો પર લગામ લગાવવામાં નિષ્ફળ રહ્યા છે.
પશ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક લશ્કરી છાવણી પર થયેલા હુમલામાં લગભગ 50 સૈનિકો માર્યા ગયા છે. જમાત નસર અલ-ઇસ્લામ વાલ-મુસ્લિમીન (JNIM) નામના આતંકવાદી જૂથ પર આ હુમલો થયાની શંકા છે. આ હુમલો સોમવારે બૌલ્સા પ્રાંતના ડાર્ગોમાં થયો હતો. આ માહિતી મંગળવારે એક સમુદાયના નેતા અને એક રહેવાસીએ આપી હતી.
લશ્કર તરફથી પ્રતિક્રિયાના ડરથી નામ ન આપવાની શરતે બે સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલામાં લગભગ 100 આતંકવાદીઓ સામેલ હતા અને હત્યા પછી બંદૂકધારીઓએ બેઝને બાળી નાખ્યો અને લૂંટ ચલાવી હતી. લશ્કરી સરકારે હજુ સુધી જાહેરમાં આ હુમલાનો સ્વીકાર કર્યો નથી.