રમત મંત્રાલયે ભારતીય કુસ્તી ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ડબલ્યુએફઆઇ પર આ પ્રતિબંધ 24 ડિસેમ્બર 2023ના રોજ લાદવામાં આવ્યો હતો.
ભારતીય કુસ્તીબાજો માટે આ સમાચાર સારા છે. કારણ કે રમત મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આનો અર્થ એ થયો કે હવે ડબલ્યુએફઆઈ સ્થાનિક ટુર્નામેન્ટ્સનું આયોજન કરી શકે છે અને રાષ્ટ્રીય ટીમ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ માટે ખેલાડીઓની પસંદગી કરી શકે છે. ખેલ મંત્રાલયે કુસ્તીના ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે અને એનએસએફ તરીકેનો તેનો દરજ્જો જાળવી રાખ્યો છે.
ડિસેમ્બર 2023 માં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
ખેલ મંત્રાલયે 24 ડિસેમ્બર 2023ના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું હતુ. સંજય સિંહની અધ્યક્ષતાવાળી પેનલે 21 ડિસેમ્બર 2023 ના રોજ ડબ્લ્યુએફઆઈની ચૂંટણી જીતી હતી. જો કે WFI પર 3 દિવસ બાદ જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ફેડરેશનની મનસ્વી કાર્યવાહીને કારણે આ સસ્પેન્શન લાદવામાં આવ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું હતું કે મંત્રાલયના આ નિર્ણય પાછળ બ્રિજ ભૂષણ શરણ સિંહનો હાથ હતો. પરંતુ તે પછી બ્રિજ ભૂષણ શરણસિંહે કહ્યું હતું કે ડબ્લ્યુએફઆઈને સ્થગિત કરવાના સરકારના નિર્ણય સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
ખેલ મંત્રાલયે આપી હતી આ સૂચના
ખેલ મંત્રાલયે એક આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતુ કે, કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાએ યોગ્ય દિશામાં કામ કરવું જોઈએ, જેથી તેના પરનું સસ્પેન્શન દૂર કરવા અંગે વિચારણા કરી શકાય.