કુપવાડા જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટર : માછિલ સેક્ટરમાં બે આતંકીઓ અને તંગધાર સેક્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના વધતા પડકાર વચ્ચે સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી હતી. કુપવાડા જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ જાણકારી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, કુપવાડાના માછિલ સેક્ટરમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. તે જ સમયે કુપવાડાના તંગધાર સેક્ટરમાં વધુ એક આતંકવાદી ઠાર માર્યો હતો. તંગધાર સેક્ટરમાં ગઇકાલે મધ્યરાત્રિએ આતંકવાદીઓ નજરે પડ્યા બાદ સુરક્ષાદળોએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન માછિલ સેક્ટરમાં પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 57 રાષ્ટ્રીય રાઈફલ્સ(આરઆર)ના જવાનોએ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓને જોયા હતા. વધુમાં, રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રીજી અથડામણ થઈ. અહીં ત્રણથી ચાર આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા હતી. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઘૂસણખોરીની સંભાવના વિશે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે કુપવાડાના તંગધાર વિસ્તારમાં 28-29 ઓગસ્ટની રાત્રે એક ઓપરેશન શરૂ કર્યું હતું. એક આતંકવાદી માર્યા ગયાની શક્યતા છે. તેમણે અન્ય પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે 28-29 ઓગસ્ટની રાત્રે કુપવાડાના માછિલ સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. ખરાબ હવામાનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી અને અમારા જવાનો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. બે આતંકવાદીઓ માર્યા જવાની શક્યતા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.