રાજકોટ શહેરના વિવિધ ચોક-ચોરાહાઓ પર લગાવવામાં આવેલા ગ્રાહક જાગૃતિના પોસ્ટરો સાથે અસામાજિક તત્વોએ છેડછાડ કરી હોવાની ઘટના સામે આવી છે. પોસ્ટરોમાં સમાવિષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પર કાળી સાહી લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો જોવા મળતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જાહેર હિત માટે લગાવવામાં આવેલા ગ્રાહક જાગૃતિના પોસ્ટરોને નુકસાન પહોંચાડવાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે દોષિત તત્વોને ઓળખવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને સામાજિક શાંતિ ભંગ કરવાના પ્રયાસ તરીકે આ ઘટનાને જોવામાં આવી રહી છે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.


