4 લોકોની ધરપકડ : નાર્કો-ટેરર એંગલની થઇ રહી છે તપાસ
નવી દિલ્હી : દિલ્હી પોલીસે ડ્રગ્સના એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલએ લગભગ 565 કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું છે. આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ડ્રગ્સ કોના માટે લાવ્યા હતા, તેની ડિલીવરી કોને કરવાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેક્શન હોઇ શકે છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ દિલ્હી પોલીસે એક ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. પોતાની આ કાર્યવાહી દરમિયાન દિલ્હી પોલીસે 288 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 1.14 કરોડ રૂપિયા છે. પોલીસે આ કાર્ટેલના બે સભ્યોની ધરપકડ કરી હતી.