સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ
ગુજરાતમાં વહીવટી તંત્રને ઝંઝોડે તેવી મોટી કાર્યવાહી સામે આવી છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જમીન સંબંધિત કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં ED લાંબા સમયથી તપાસ કરી રહી હતી.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના નોન-એગ્રીકલ્ચરલ (NA) કન્વર્ઝન અને મંજૂરી પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપો છે. તપાસ દરમિયાન મોટા પાયે નાણાકીય વ્યવહાર અને ગેરકાયદેસર લાભ મેળવ્યાના પુરાવા સામે આવ્યા હોવાનું EDનું કહેવું છે.
EDની ટીમે રાજેન્દ્ર પટેલની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ પણ સરકારી કર્મચારીઓ અને અન્ય સંકળાયેલા લોકો સામે કાર્યવાહી થઈ ચૂકી છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે જમીન કૌભાંડમાં કરોડો રૂપિયાનું લેવડદેવડ થયું હોઈ શકે છે.
હાલ ED દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કેસમાં અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા છે. આ ઘટનાથી રાજ્યના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.


