રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે, છતાં આ દુર્ઘટનાની યાદ આજે પણ લોકોના મનમાં તાજી છે. શહેરને હચમચાવી દેનાર આ ભયાનક આગની ઘટનામાં ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરણ સહિત કુલ 27 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવી હતી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા હતા.
આ કેસમાં કુલ 16 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાંથી બે આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સહિત 14 આરોપીઓ હાલ જામીન પર બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
નવેમ્બર 2024 દરમિયાન ફરિયાદી પક્ષ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડે-ટુ-ડે ટ્રાયલ ચલાવવાની માંગણી કરવામાં આવી હતી. જોકે આરોપીઓ દ્વારા લાંબા સમય સુધી વકીલ ન રાખવા સહિતના કારણોસર ટ્રાયલની પ્રક્રિયામાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી પક્ષનો આક્ષેપ છે કે કેસ લાંબો ખેંચાય તે માટે આરોપીઓ તરફથી અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.
કેસની તપાસ અને કોર્ટ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં પોસ્ટમોર્ટમ કરનાર પાંચ ડોક્ટરોની જુબાની લેવામાં આવી ચૂકી છે, જ્યારે એક અન્ય ડોક્ટરની જુબાની આગામી સમયમાં લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ ગુજરાતની ચાર મોટી દુર્ઘટનાઓમાં પ્રથમ બોર્ડ પર આવતાં આ કેસ વધુ ગંભીર બની ગયો હતો. ઘટનાએ ફાયર સેફ્ટી, બિનઅનુમતિ બાંધકામ અને જાહેર સ્થળોની સુરક્ષાને લઈને રાજ્યવ્યાપી ચર્ચા જગાવી હતી.
આજે પણ મૃતકોના પરિવારજનો ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.


