ગુજરાતમાં હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં ગુજરાતમાં જળ સંગ્રહમાં ઘટાડો નોંધાયો છે. ચોમાસામાં સામાન્યથી અતિ વધારે વરસાદના લીધે 21 નવેમ્બરની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં 90 ટકા સહિત એકંદરે 99.99 ટકાનો જળસંગ્રહ હતો..શિયાળાના ચાર માસના અંતે અને ઉનાળાની શરુઆત સુધીના ચાર માસમાં જ 27 ટકાનો અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલ રાજ્યમાં એકંદરે 68.96 ટકા અને સૌરાષ્ટ્રમાં માત્ર 54.95 ટકા પાણીનો સ્ટોરેજ છે.46 ડેમોમાં હાલ 25 ટકાથી ઓછું પાણી, સૌરાષ્ટ્રના 7 ડેમો સુકા મેદાન બન્યા છે તો સરદાર સરોવરમાં 73 ટકા જળસંગ્રહ છે.
અસમના એરફોર્સ સ્ટેશનમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા કર્મચારીની ધરપકડ
અસમના ચાબુઆ એરફોર્સ સ્ટેશનમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન ઈન્ટેલિજન્સ વિભાગની આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આરોપી સુમિતકુમાર એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા હતા અને તેઓ પાકિસ્તાની હેન્ડલર્સને સંવેદનશીલ માહિતી મોકલતા હતા. તેમણે વાયુસેનાથી જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી ઉપરાંત સૈનિકોની અવરજવર અંગેની માહિતી પણ પાકિસ્તાન સુધી પહોંચાડ્યાનો આરોપ છે. તપાસમાં ખુલ્યું છે કે 2023થી સુમિતકુમાર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતા અને પૈસાની લાલચમાં આવીને તેઓ દેશની સુરક્ષાને ખતરો પહોંચાડે તેવી માહિતી આપતા હતા. આ કાર્યવાહી જેસલમેરમાં પકડાયેલા એક જાસૂસ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા આરોપીની કડક પૂછપરછ ચાલી રહી છે અને આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


