રાજકોટ મનપાના હોકર્સ ઝોનમાં સ્થાનિકો દ્વારા ગેરકાયદે વાહનો પાર્ક કરાતા નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે શાકભાજી વિક્રેતાઓએ મનપા કચેરી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શાકભાજી અને રમકડાની ગાડીઓના હાર લઈને વેપારીઓ મનપા પહોંચ્યા હતા. આશરે ૧૫૦ જેટલા શાકભાજી વિક્રેતાઓ મનપાના નિયમ મુજબ નાણાં ભરી હોકર્સ ઝોનમાં ધંધો કરે છે, પરંતુ આસપાસના કેટલાક લોકો હોકર્સ ઝોન ન જોઈએ તે માટે ગેરકાયદે પાર્કિંગ કરી અવરોધ ઊભો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. જો મનપા દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
PSI અને લોકરક્ષકની ભરતી માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 13,591 જગ્યાઓ માટે આજથી શારીરિક કસોટીનો આરંભ થયો છે. મહિલા ઉમેદવારો માટે શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી યોજાશે. રાજ્યભરમાં 15 જેટલા ગ્રાઉન્ડ પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં આશરે 500 મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપી રહ્યા છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે એન્ડેવર કારમાં બનાવેલા ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. નંગ-૧૯ મુજબના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. અભ્યાસની ફીમાં 260 ટકા જેટલો વધારો કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. NSUI દ્વારા યુનિવર્સિટી તંત્ર સામે વિરોધ નોંધાવી એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસ આપ કે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં જઈ સ્થાનિક નાગરિકોની સમસ્યાઓ અને સુવિધાઓ અંગે અભિપ્રાય મેળવવામાં આવ્યા. રસ્તા, પાણી, ડ્રેનેજ સહિતના મુદ્દાઓ અંગે લોકોની રજૂઆત સાંભળી તેને તંત્ર સુધી પહોંચાડવાની ખાતરી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે.


