બ્રેકિંગ ન્યૂઝ | મોરબી
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ઇનામી ડ્રોના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. મામાધણી ગ્રુપ દ્વારા કડિયાણા અને માથક વચ્ચે આવેલા મામા દેવના મંદિરના વિકાસના નામે ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટિકિટોનું વ્યાપક વેચાણ કરવામાં આવ્યું હતું.
આયોજકો દ્વારા નાનામોટા કુલ 606 ઇનામોની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ એકત્રિત કરવામાં આવી હતી. તા. 15-01ના રોજ ડ્રો યોજાયા બાદ આયોજકો કોઈપણ પ્રકારના ઇનામો આપ્યા વગર ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
ઇનામી ડ્રોના આયોજકો અચાનક સંપર્ક બહાર થઈ જતા ભાગ લેનાર લોકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિકો દ્વારા આ મામલે કડક કાર્યવાહી અને છેતરપિંડી કરનાર સામે તાત્કાલિક કાનૂની પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે.


