શાપર ઢોલરા રોડ પર પતિએ પત્નીનું અપહરણ કરી હત્યાનો પ્રયાસ
શાપર પોલીસની સમયસર કાર્યવાહીથી સ્ત્રીનો જીવ બચ્યો
શાપર નજીક ઢોલરા રોડ ઉપર દાંપત્ય વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ જ પોતાની પત્નીનું અપહરણ કરી કારમાં બેસાડી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, પીડિત સ્ત્રી ઢોલરા રોડ ઉપર પગપાળા જઈ રહી હતી. તે દરમિયાન આશરે દસ મિનિટ સુધી રોડ પર કોઈ અવરજવર ન હતી. એ જ સમયે શાપર ગામ તરફથી એક ગ્રે કલરની ક્રેટા કાર અત્યંત ઝડપથી આવી હતી અને સ્ત્રીને ગાડી નીચે ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અચાનક ઝડપથી આવેલી કાર જોઈ ગભરાયેલી સ્ત્રી ભાગવા જતાં રોડ ઉપર પડી ગઈ હતી.
ત્યારબાદ કારમાંથી પીડિતાનો પતિ માવજીભાઈ વેલાભાઈ રોશીયા ઉર્ફે મહેશપુરી વેલપુરી ગૌસ્વામી તથા એક અજાણ્યો પુરુષ નીચે ઉતર્યા હતા. પતિએ પત્નીને ધમકી આપતાં કહ્યું હતું કે, “આજે તો તને પતાવી જ દેવી છે,” અને બાદમાં બંનેએ મળીને બળજબરીથી તેણીને ઘસડીને કારમાં બેસાડી હતી. ત્યારબાદ કાર અંદરથી લોક કરી પતિ પોતે કાર ચલાવવા લાગ્યો હતો.
કારમાં બેઠા બાદ પતિએ પત્ની સાથે અભદ્ર વર્તન કરી અશ્લીલ અને અપમાનજનક ગાળો આપી હતી તથા વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિવિધ સ્થળોએ કાર ફેરવ્યા બાદ એક સ્થળે ચાલતી કારમાં પતિએ પોતાની પાસે રહેલી છરી વડે પત્ની પર હુમલો કર્યો હતો. છરીનો ઘા સ્ત્રીના જમણા પગના સાચળ ભાગમાં લાગતા ભારે પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું હતું.
ઘણું લોહી વહેવા છતાં પીડિત સ્ત્રીએ જોરદાર રાડારાડી શરૂ કરી હતી. ત્યારબાદ આરોપી પતિ ફરી કાર ચલાવવા લાગ્યો હતો. વધુ લોહી વહેતા અંતે તેણે કાર ઉભી રાખી હતી. આ દરમિયાન શાપર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પતિને ઝડપી લીધો હતો તથા પીડિત સ્ત્રીને મુક્ત કરાવી હતી. બાદમાં ઘાયલ સ્ત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


