મંગળવાર, નવેમ્બર 12, 2024

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયશહેરોમાં હરિયાળી ઘટતા વર્ષ 2040 સુધીમાં સમગ્ર વિશ્ર્વમાં 200 કરોડ લોકોને વધતી...

શહેરોમાં હરિયાળી ઘટતા વર્ષ 2040 સુધીમાં સમગ્ર વિશ્ર્વમાં 200 કરોડ લોકોને વધતી ગરમીનો કરવો પડશે સામનો

વિશ્વના શહેરોમાં ગ્રીન એરિયાનો હિસ્સો 1990માં સરેરાશ 19.5 ટકા હતો, જે 2020 સુધીમાં ઘટીને માત્ર 13.9 ટકા થયો : જળવાયુ પરિવર્તનથી સર્જાયેલી સમસ્યાઓનો સામનો કરવા શહેરો તૈયાર નથી

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : માણસની લાઈફસ્ટાઈલ, પ્રદુષણ, વસ્તી વધારો, ઓઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફેક્ટરી, વાહન-વ્યવહારમાં ગેસ અને કોલસાનો ઉપયોગ વગેરે જેવા પરિબળોના કારણે જળવાયુ પરિવર્તનની અસરો ઘેરી બની રહી છે. હવે આ જળવાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં શહેરોને ગંભીર પડકારોનો સામનો કરવો પડશે. વિશ્ર્વભરમાં શહેરો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો મોટો હિસ્સો ઉત્પન્ન કરે છે. ઝડપથી વિકાસ પામતા શહેરોના આયોજન વિના અને તેમના યોગ્ય સંચાલનના અભાવના પરિણામો ગ્રીન વિસ્તારો ભોગવી રહ્યા છે. શહેરોની હરિયાળી ઝડપથી સંકોચાઈ રહી છે, અને તેમની જગ્યાએ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે. જેના કારણે અનેક સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે.
વિશ્ર્વના શહેરોમાં ગ્રીન એરિયાનો હિસ્સો 1990માં સરેરાશ 19.5 ટકા હતો, જે 2020 સુધીમાં ઘટીને માત્ર 13.9 ટકા થયો છે. અનુમાન મુજબ, 2040 સુધીમાં, શહેરોમાં રહેતા 200 કરોડથી વધુ લોકોને ઓછામાં ઓછા 0.5 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં વધારાના વધારાનો સામનો કરવો પડશે. આ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુએન-હેબિટેટએ પોતાના નવા રિપોર્ટમાં આપી છે. વર્લ્ડ સિટીઝ રિપોર્ટ 2024 વર્લ્ડ અર્બન ફોરમ દરમિયાન બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વિશ્ર્વના ઘણા મોટા શહેરો લાખો લોકોને આવાસ આપી રહ્યા છે, પરંતુ તેમના પર દર વર્ષે અનેક પ્રકારના જોખમો વધી રહ્યા છે. જેમ જેમ શહેરો વિકસતા જાય છે તેમ તેમ તેઓ આબોહવા-સંબંધિત આપત્તિઓ માટે વધુ સંવેદનશીલ બને છે. ક્લાઈમેટ ચેન્જથી સર્જાયેલી સમસ્યાઓનો સામનો કરવા શહેરો તૈયાર નથી. શહેરોમાં બેઘર લોકોની સંખ્યા અને ઝૂંપડપટ્ટીની સંખ્યા વધી રહી છે. ઝૂંપડપટ્ટી સામાન્ય રીતે એવા વિસ્તારોમાં બને છે જે પર્યાવરણના દ્રષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ હોય છે.
આ વિસ્તારોમાં આપત્તિઓ અટકાવવા માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું નબળું છે. આવી સ્થિતિમાં, અહીં રહેતા સામાન્ય લોકોને ઘણીવાર આબોહવા સંબંધિત આફતો અથવા ભારે ઘટનાઓનો ભોગ બનવું પડે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે બજેટ અમર્યાદિત
અહેવાલમાં હાલમાં ઉપલબ્ધ ભંડોળ અને શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટેની નાણાકીય જરૂરિયાતો વચ્ચેના વિશાળ અંતરને પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં લગાવાયેલ અનુમાન મુજબ, શહેરોને વાર્ષિક 4.5 થી 5.4 લાખ કરોડ ડોલરની જરૂર છે, જેથી આબોહવા સંબંધિત પડકારોનો સામનો કરવા સિસ્ટમમાં સુધારો કરી શકાય. જ્યારે શહેરોને હાલમાં માત્ર 83,100 કરોડ ડોલર મળી રહ્યા છે.

અસરકારક યોજનાઓથી સુધારી શકાય છે પરિસ્થિતિ
યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે અહેવાલના પ્રસ્તાવનામાં જણાવ્યું હતું કે મજબૂત રોકાણ અને સ્માર્ટ પ્લાનિંગ શહેરોને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરીને આબોહવા પરિવર્તનને સ્વીકારવામાં મદદ કરી શકે છે. આ માટે બોલ્ડ રોકાણ, અસરકારક આયોજન અને ડિઝાઇનની જરૂર પડશે. આ અંગે યુએન-હેબિટેટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એનાક્લોડિયા રોસબેચ કહે છે કે, આગામી કેટલાક વર્ષોમાં કરોડો લોકોને માત્ર વધતા તાપમાન જ નહીં પરંતુ પૂર, ગરમીનું મોજું, દુષ્કાળ અને જળ સંકટ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે.

જળવાયુ પરિવર્તનના કારણે સાઉદી અરેબિયાના રણમાં પહેલી વખત જોવા મળી હિમવર્ષા
જળવાયુ પરિવર્તનની અસર હાલ વિશ્ર્વભરમાં વધતી દેખાઈ રહી છે. હાલત એટલી ગંભીર છે કે તાજેતરમાં સાઉદી અરેબિયાના રણમાં પહેલી વખત હિમવર્ષા થતી જોવા મળી. સામાન્ય રીતે તેલના ભંડાર અને રણ માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં એટલી બધી હિમવર્ષા થઈ છે કે આખું રણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે.

ભારતમાં ચાલુ વર્ષના પ્રથમ નવ મહિનામાં 93% એટલે કે 255 દિવસમાં ભારે હવામાનની ઘટનાઓ જોવા મળી : 3238 લોકોએ જીવ ગુમાવ્યા
જળવાયુ પરિવર્તનની જનજીવન પર પ્રતિકૂળ અસર થઇ રહી છે. ‘સ્ટેટ ઑફ એક્સ્ટ્રીમ વેધર રિપોર્ટ ઈન ઈન્ડિયા’ રિપોર્ટ અનુસાર, 2022 અને 2023ની સરખામણીમાં 2024માં હવામાનની ઘટનાઓએ વધુ ગંભીર અસર કરી છે. સ્થિતિ એટલી પ્રતિકૂળ બની છે કે ચાલુ વર્ષના પ્રથમ નવ મહિનામાં 93 ટકા એટલે કે 255 દિવસમાં ગરમી અને ઠંડા પવનો, વાવાઝોડું, વીજળી પડવી, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે 3238 લોકોએ જીવ ગુમાવ્યા છે, તો 32 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે. 2,35,862 મકાનો અને ઇમારતો નાશ પામ્યા છે, જ્યારે લગભગ 9457 પ્રાણીઓના મોત થયા હતા. એકલા આસામમાં જ 122 દિવસનો ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જોવા મળ્યું છે. જેના કારણે રાજ્યના મોટાભાગમાં પાણી ભરાયા અને ઘણા સમુદાયો તબાહ થઈ ગયા. દેશભરમાં પૂરના કારણે 1376 લોકોએ જીવ ગુમાવ્યા છે. મધ્યપ્રદેશમાં દર બીજા દિવસે દેશનું સૌથી ઊંચું તાપમાન અનુભવાય છે. જયારે કેરળમાં પણ 550 મૃત્યુ નોંધાયા છે, મધ્ય પ્રદેશ 353 અને આસામ આંકડો 256 છે. આંધ્રપ્રદેશમાં 85,806 સૌથી વધુ મકાનો નાશ પામ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 142 દિવસ મોસમી ઘટનાઓ જોવા મળી હતી. સમગ્ર દેશમાં 60 ટકાથી વધુ અસરગ્રસ્ત પાક વિસ્તારને નુકસાન થયું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર