શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતદક્ષિણ ગુજરાત જળબંબાકાર, ભરૂચના વાલિયામાં 18 ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, ભરૂચના વાલિયામાં 18 ઇંચ વરસાદ

(આઝાદ સંદેશ) અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભરૂચના વાલિયામાં ધોધમાર 12 ઈંચ વરસાદ ખાબક્તાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. જે બાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ છ ઇંચથી વધુ વરસાદ વરસી જતાં 28 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક જાહેર માર્ગો પર વાહનો તણાયા હતા, અનેક નાળાઓમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાતા અનેક માગી ઉપર સતત વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિકજામમાં લોકો અટવાયા હતા. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા.
ગુજરાતમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભરૂચના વાલિયામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે નેત્રંગમાં પણ પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉમરપાડા અને વલસાડમાં ચાર-ચાર ઇંચ, વાપીમાં 3.5 ઇંચ, સુરતના પલાસણમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કચ્છના રાપર, સુરતના માંગરોળ, વલસાડના પારડી અને નવસારીના ખેરગામમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભરૂચના વાલિયામાં ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. દોલતપુર ગામને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોડગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. ભારે વરસાદના પગલે વાલિયાના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, જે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થતાં વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. ભરૂચમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કેડ સમા અને છાતી સમા વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચની ઇન્દિરા નગર ઝુપડપટ્ટી તેમજ અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોથી માંડી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘણી દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના કારણે વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. સમગ્ર જનજીવન અસ્ત વ્યસ્ત થતાં ભરૂચના મુખ્ય હાથ સમા વિસ્તારમાં શક્તિનાથ નજીકનું રેલવે તથા કલેકટર નજીકથી સિવિલ હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપરનું રેલવેનું નાડું વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવતા સતત વાહનોની લાંબી કટારો માર્ગો ઉપર જામી ગઈ હતી.

તાપીના સોનગઢમાં 10 ઇંચ અને વ્યારા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, તાપીના સોનગઢમાં 10 ઇંચ અને વ્યારા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 6 ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર તાપી જિલ્લામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તાલુકાની વાત કરીએ તો, સુરતના માંગરોળ, ડાંગના વઘઇ, નર્મદાના તિલકવાડા, તાપીના ઉચ્છલ અને ભરૂચ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, તાપીના ડોલવણ, ડાંગના સુબિર, ખેડાના નડિયાદ અને નવસારીના વાંસદા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે, મહીસાગરના લુણાવાડા અને ખેડાના કપડવંજ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ અને ગોધરા, વડોદરાના કરજણ, સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વર, ડાંગના આહવા, તાપીના વાલોડ, ખેડાના કઠલાલ, મહીસાગરના વિરપુર, અરવલ્લીના બાયડ ઉપરાંત મહેસાણા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્યના આશરે 22 તાલુકામાં 3 ઇંચથી વધુ, 39 તાલુકામાં 2 ઇંચથી વધુ, 45 તાલુકામાં 1 ઇંચથી વધુ તેમજ 48 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ 183 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ; સૌથી વધુ કચ્છમાં 179 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 125 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 117 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 95 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર