ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ટેસ્લા કંપનીની કાર ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશવા જઈ રહી છે પરંતુ હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. તાજેતરમાં એવું બહાર આવ્યું છે કે ભારતમાં ટેસ્લા કારનું ઉત્પાદન અપેક્ષિત નથી. સમાચાર એજન્સીઓએ કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી કુમાર સ્વામીને ટાંકીને જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં વાહનોનું ઉત્પાદન કરે તેવી શક્યતા ઓછી છે.
કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે ભારત ટૂંક સમયમાં તેની ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદન નીતિ હેઠળ અરજીઓ આમંત્રિત કરશે. આ નવી નીતિનો હેતુ એ છે કે વધુને વધુ વૈશ્વિક ઓટો કંપનીઓ ભારતીય બજારમાં રોકાણ કરે.
નવી EV નીતિ માર્ચ 2024 માં જાહેર કરવામાં આવી હતી અને આ નવી નીતિ હેઠળ, વૈશ્વિક ઓટો કંપનીઓ પાસેથી $35,000 કે તેથી વધુ કિંમતની ઇલેક્ટ્રિક કારની આયાત પર 70 ટકાને બદલે 15 ટકા ડ્યુટી વસૂલવામાં આવશે. પરંતુ આયાત ડ્યુટીના ઓછા દરનો લાભ ત્યારે જ મળશે જ્યારે કંપની ભારતમાં $486 મિલિયનનું રોકાણ કરવાનું વચન આપશે.