ગુરુવાર, ઓક્ટોબર 22, 2026

ઈ-પેપર

ગુરુવાર, ઓક્ટોબર 22, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદઅમદાવાદમાંથી રૂ.25.5 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ કુખ્યાત પેડલર્સ ઝડપાયા

અમદાવાદમાંથી રૂ.25.5 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ કુખ્યાત પેડલર્સ ઝડપાયા

અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે સીટીએમ ટોલનાકા પાસેથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો : ૨.૫ કિલો એમડી અને ૪.૫ કિલો હેરોઈન સાથે દિલ્હી અને મેરઠની ત્રિપુટી ઝબ્બે : ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને ડિલિવર કરવાનો હતો? તે દિશામાં તપાસ શરૂ કરાઈ

રાજકોટ : ​અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે સીટીએમ ટોલનાકા પાસેથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરી ૨૫.૫ કરોડ રૂપિયાની કિંમતના ૨.૫ કિલો એમડી અને ૪.૫ કિલો હેરોઈન સાથે દિલ્હી અને મેરઠના ત્રણ કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે.
​સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આવેલા સીટીએમ ટોલનાકા નજીક એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સંયુક્ત રેડ દરમિયાન પોલીસે ગુજરાતમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઘૂસાડવાના આંતરરાજ્ય નેટવર્કનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો હતો. પોલીસની આ સરાહનીય કામગીરીથી અસામાજિક તત્વોના મનસૂબા પર પાણી ફરી ગયું છે અને રાજ્યમાં ડ્રગ્સ ફેલાવતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.
​આ દરોડામાં પોલીસે કુલ ૨,૪૯૭.૪૯૦ ગ્રામ એટલે કે અંદાજે ૨.૫ કિલો એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત ૧.૨ કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે આશરે ૩ કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત, પોલીસે ૪,૫૩૧.૨૨૦ ગ્રામ એટલે કે અંદાજે ૪.૫ કિલો હેરોઇન પણ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત ૫ કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે આશરે ૨૨.૫ કરોડ રૂપિયા થાય છે. આમ, કુલ ૨૫.૫ કરોડ રૂપિયાની જંગી કિંમતનો પ્રતિબંધિત નશીલો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
​આ ઓપરેશન દરમિયાન પકડાયેલા ત્રણેય આરોપીઓ ગંભીર અને કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. નવી દિલ્હીનો રહેવાસી તિફેલ નોખેજ અગાઉ વર્ષ ૨૦૧૪માં અમૃતસરમાં ૧૦૦ ગ્રામ હેરોઇન અને વર્ષ ૨૦૧૯માં ૩૦૦ કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગુનાઓમાં સંડોવાયેલો હતો. મેરઠનો મોહમ્મદ ઇમરાન અલ્વી છેડતી, કબૂતરબાજી અને છેતરપિંડી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સામેલ છે. જ્યારે નવી દિલ્હીનો કફીલ અહેમદ અગાઉ જયપુરમાં ૧૮.૫ કિલો ચરસ, અમદાવાદમાં ૧૦૦ ગ્રામ એમડી અને રાજસ્થાનમાં પેરોલ દરમિયાન ૩ કિલો એલ્પાઝોલમ સાથે પકડાયેલો કુખ્યાત ગુનેગાર છે.
​બંને શહેરોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કયા શખ્સો સુધી પહોંચાડવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે. આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે મોટા સક્ષમ માફિયાઓ સાથે જોડાયેલા છે તે અંગે પણ પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. આંતરરાજ્ય દાણચોરીના આ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.
​આ સફળ ઓપરેશને ગુજરાત પોલીસની સજ્જતા અને સતર્કતાને વધુ એકવાર પૂરવાર કરી છે. યુવાધન પાયમાલ કરતા આવા ઝેરી પદાર્થો અને કુખ્યાત અપરાધીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાની ખાતરી આપી છે. ડ્રગ્સના આ મોટા નેટવર્કના મૂળ સુધી પહોંચીને સંડોવાયેલા અન્ય તમામ સાગરીતોને પણ ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી ચૂકી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર