સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપ 2025 અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ટુર્નામેન્ટ રદ થવાની શક્યતા છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ભારત અને શ્રીલંકાએ આ સંકેત આપ્યા છે.
સપ્ટેમ્બરમાં યોજાવાનો એશિયા કપ 2025 વધુ મુશ્કેલીમાં મુકાયો છે. હવે આ ટુર્નામેન્ટ રદ થવાની શક્યતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને શ્રીલંકા ક્રિકેટે એક મોટું પગલું ભર્યું છે અને 24 જુલાઈએ ઢાકામાં યોજાનારી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. ટેલિકોમ એશિયા સ્પોર્ટના અહેવાલ મુજબ, બંને બોર્ડે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે આ છ દેશોની ટુર્નામેન્ટ શરૂ થવામાં બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. જોકે ACC એ પુષ્ટિ આપી છે કે બેઠક યોજના મુજબ થશે, પરંતુ ભારત અને શ્રીલંકાની ગેરહાજરી આ ટુર્નામેન્ટના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે.
આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, પરંતુ તે પહેલાં, 24 જુલાઈએ ઢાકામાં યોજાનારી ACC બેઠકમાં BCCI અને શ્રીલંકા ક્રિકેટની ગેરહાજરીએ ટુર્નામેન્ટના આયોજન પર પ્રશ્નો ઉભા કર્યા છે. BCCI એ ઢાકામાં યોજાનારી ACC બેઠક સામે વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવી હાલમાં ACCના પ્રમુખ છે.