શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતની 25 બેઠકો માટે મંગળવારે મતદાન, કાલ સાંજથી પ્રચાર-પડઘમ શાંત

ગુજરાતની 25 બેઠકો માટે મંગળવારે મતદાન, કાલ સાંજથી પ્રચાર-પડઘમ શાંત

કેન્દ્રિય નેતાઓ સહિત વિવિધ પક્ષોનો છેલ્લી ઘડીનો ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર શરૂ : ગૃહમંત્રી અમિત શાહ, પ્રિયંકા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ, સી.આર.પાટીલની જાહેરસભાઓ : પ્રચાર-પડઘમ શાંત થયા બાદ ડોર ટુ ડોર પ્રચાર શરૂ થશે, સોમવારે કતલની રાત

(આઝાદ સંદેશ) ગાંધીનગર : લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી સુરતની બેઠક બિનહરીફ જાહેર થતાં હવે 25 બેઠકો માટે મંગળવારે સવારે 7થી સાંજે 6 સુધી મતદાન થવાનું છે. 7મીએ યોજાનારા મતદાન પૂર્વે કાલે સાંજે જાહેર પ્રચાર પડધમ બંધ થશે એ પૂર્વે આજે અને કાલે કેન્દ્રિય નેતાઓ સહિત વિવિધ પક્ષોના નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. સોમવારે સવારથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ થશે અને સોમવારની રાત કતલની રાત બનવાની છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ ચૂંટણી મતદાન પૂર્ણ થવાના કલાકથી એટલે કે તા.7મી મેના રોજ સાંજે 6 કલાકથી 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે ત્યારે કાલે એટલે કે તા.5મી મેના રોજ સાંજે 6 કલાક પછી ઉમેદવારના ચૂંટણી પ્રચારના ભૂંગળા બંધ થઈ જશે. જાહેરસભા, સરઘસ અથવા અન્ય કોઈ પણ રીતે એકત્રિત કરવા, આયોજન કરવા કે સંબોધન કરવા ઉપર પ્રતિબંધ લાગી જશે. જેથી હવે ચૂંટણી પ્રચાર માટે કાલ સાંજ સુધીનો સમય જ રહયો છે. ત્યારે ચૂંટણી પ્રચારનો કેટલો માહોલ બને છે તે જોવુ રહ્યું. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. રવિવારે સાંજે પડઘમ શાંત થાય તે પહેલા છેલ્લા કલાકોમાં દરેક ઉમેદવારોને રોડ-શો યોજીને મતદારોને રીઝવવાની તક ઝડપી લેવા બંને પક્ષોમાંથી સુચનાઓ અપાઇ છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ શુક્રવારની સાંજે અમદાવાદ આવી ગયા હતા અને આજે તેઓ છોટાઉદેપુર અને વલસાડમાં સભા સંબોધી હતી. ત્યારબાદ સંઘ પ્રદેશ દમણમાં પ્રચાર કરીને રાતે અમદાવાદ આવશે. તેઓ મતદાનના દિવસ સુધી દરરોજ રાતે અમદાવાદ આવી ભાજપની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરશે. ભાજપના નેતાઓના ચૂંટણી પ્રચાર કાર્યક્રમોની સમાંતર કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ આજે બનાસકાંઠાના લાખણીમાં સભા સંબોધી હતી જયારે પૂર્વ વિદેશ મંત્રી અને સાંસદ શશી થરૂર વડોદરામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે. ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મોરબી, ગાંધીનગર, પેટલાદ સહિત ત્રણ સ્થળે
ભાજપનો પ્રચાર કરી રહ્યા
છે. ઉપરાંત આજે મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણા અને રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજયવર્ધન રાઠોડ પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે આવ્યા છે. છેલ્લા બે દિવસોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગુજરાતમાં કુલ આઠ જેટલી જાહેર સભાઓનું સંબોધશે. તદ્ઉપરાંત રાજય સરકારના તમામ મંત્રીઓને સોંપાયેલા લોકસભા ક્ષેત્રના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અને મતદાન વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા પહોંચવા પ્રદેશ કાર્યાલયમાંથી આદેશો થઇ રહ્યા છે. જેઓ રવિવારે બપોર પછી ભાજપના ઉમેદવારોના રોડ- શોમાં પણ સામેલ થશે. કોંગ્રેસના ઉમેદવારોએ પણ છેલ્લા દિવસે – રોડ-શો અને ચૂંટણી પ્રચાર માટે સ્થાનિક કલાકારો સાથે રાખવાનું આયોજન કર્યુ છે.

હિટવેવની આગાહી વચ્ચે રાજકોટ સંસદિય મતવિસ્તારમાં કુલ 2036 મતદાન મથકો પર 21 લાખથી વધુ મતદારો કરશે મતદાન

ગુજરાતમાં રાજકોટની બેઠક પર મંગળવારે મતદાન યોજાવાનું છે. જસદણ, વાંકાનેર, ટંકારા સહિત કુલ સાત વિધાનસભા બેઠક રાજકોટ સંસદિય મતવિસ્તારમાં આવે છે, અને તેમાં કુલ 21 લાખ 12 હજારથી વધુ મતદારો મતદાન કરશે, કુલ 2036 મતદાન મથકો નોંધાયેલા છે. બીજી તરફ મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી આસ-પાસ નોંધાવવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે આજે જ રાજકોટ-સુરેન્દ્રનગરમાં 42.3 અને અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હિટવેવની આગાહીને પગલે મતદાન ઉપર અસર થવાનો ભય હોય તંત્ર બપોરે 12 વાગ્યા પહેલા મતદાન કરાવી લેવા કમરકસી રહ્યું છે. રાજકોટમાં પણ કાલે સાંજે 6 વાગ્યાથી જાહેર પ્રચાર-પડઘમ બંધ થઇ જશે, કોઇ રેલી-સભા નહિ યોજી શકાય, માત્ર હાઉસ ટુ હાઉસ પ્રચાર થઇ શકશે, તંત્ર સાબદૂ બની ગયું છે, કલેકટરે તમામ પ્રાંત-મામલતદારોને પોતાના વિસ્તારોમાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવા આદેશો કર્યા છે, પોલીસ તંત્ર કાલ સાંજથી તમામ હોટલો-રેસ્ટોરન્ટોનું ખાસ ચેકીંગ કરશે, શહેરમાં અને હાઇવે ઉપર વાહનોનું રાઉન્ડ ધ કલોક ચેકીંગ ચાલુ કરાયું છે. બહારના જીલ્લા-રાજ્યમાંથી આવેલા રાજકીય નેતાઓ-કાર્યકરોને કાલે સાંજે 6 સુધીમાં રાજકોટ શહેર-જિલ્લો છોડી દેવા આદેશો કરાયા છે. કલેકટર અને તેમની ટીમ દ્વારા પળેપળની વિગતો લેવાઇ રહી છે, શહેર-જિલ્લામાં અર્ધલશ્કરી દળોની ફલેગ માર્ચ ચાલુ કરી દેવાઇ છે, હજારો શખ્સોને રાઉન્ડ અપ કરી લેવાયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર