રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજસદણમાં બે અલગ બેગમાં નાસ્તો બાંધવા બાબતે ખાણીપીણીના ધંધાર્થી પર ત્રિપુટીનો લાકડીથી...

જસદણમાં બે અલગ બેગમાં નાસ્તો બાંધવા બાબતે ખાણીપીણીના ધંધાર્થી પર ત્રિપુટીનો લાકડીથી હુમલો

બસ સ્ટેન્ડ રોડ ઉપરનો બનાવ : બાવાજી યુવાનની દુકાનમાં કામ કરતા સંજય ખુંટીને મુકેશ ભેંસજાળિયા સહિતનાઓએ લમધારતા સારવારમાં ખસેડાયો

(આઝાદ સંદેશ),રાજકોટ: જસદણમાં બસ સ્ટેન્ડ રોડ પર દાબેલી અને વડાપાઉં અલગ અલગ ઝબલામાં કેમ ન નાખ્યા કહી યુવક પર મુકેશ ભેંસજાળીયા અને તેના બે ભાઇઓએ લાકડીથી હુમલો કરતા યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
મળતી માહિતી મુજબ જસદણના ગીતાનગરમાં રહેતા સંજયભાઇ વેજાભાઇ ખુંટી (ઉ.24)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુકેશ ભેંસજાળીયા, નિલેશ ભેંસજાળીયા, મહેશ ભેંસજાળીયા (રહે.જસદણ)નું નામ આપતા જસદણ પોલીસે આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ જસદણમાં બસ સ્ટેન્ડ રોડ પર માંડવરાય કોમ્પલેક્ષ બાજુમાં લાલભાઇ દેવમુરારી ની કચ્છી દાબેલીની દુકાને કામ કરે છે. ગત તા.4-5-24ના રોજ બપોરે તેઓ લારી પર હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાની આસપાસ મુકેશ ભેંસજાળીયા દાબેલી લેવા માટે આવેલ અને તેઓએ એક દાબેલી અને એક વડાપાઉંનો ઓર્ડર દીધેલ જેથી તેઓએ વડાપાઉં અને દાબેલી એક ઝબલામાં પાર્સલ આપેલ તો આરોપીએ સામે જોઇ ગાળ આપીને બોલેલ કે, અમો કાયમ આવીએ છીએ તને ખબર નથી પાર્સલ અલગ અલગ ઝબલામાં આપવું જોઇએ કહી ઉશ્કેરાઇ ગયેલ અને આરોપીની સામે કોમ્પલેક્ષ હોય ત્યાં ગયેલ અને ફરી લાકડી લઇ આવેલ અને અન્ય માણસને બોલાવતા તેના બે ભાઇ મહેશ અને નીલેશ ભેંસજાળીયા પણ લાકડી સાથે ઘસી આવેલ હતા. બાદમાં ત્રણેય શખસો ગાળો આપવા લાગેલ અને ત્યારે મુકેશ અને મહેશે લાકડીથી હુમલો કરતા હાથમાં અને પીઠમાં ઇજા પહોંચી હતી.
દરમિયાન આજુબાજુના લોકો આવી જતા તેને વધુ મારથી છોડાવેલ હતો. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર