શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસમે માસના પ્રથમ જ દિવસે બિટકોઈનમાં બોલ્યો 3000 ડોલરથી વધુનો કડાકો

મે માસના પ્રથમ જ દિવસે બિટકોઈનમાં બોલ્યો 3000 ડોલરથી વધુનો કડાકો

મુંબઈ : એપ્રિલમાં ૧૬ ટકાના ઘટાડા બાદ મે મહિનાનો પ્રારંભ મુખ્ય ક્રિપ્ટોસ બિટકોઈન માટે એકદમ ખરાબ રીતે થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનના ભાવમાં ૩૦૦૦ ડોલરથી વધુનો ઘટાડો બોલાઈને ભાવ મોડી સાંજે ૫૮૦૦૯ ડોલર બોલાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ કડાકો બોલાયો હતો. માર્ચમાં ૭૪૦૦૦ ડોલરની વિક્રમી સપાટી દર્શાવ્યા બાદ બિટકોઈનમાં ૧૬૦૦૦ ડોલર નીકળી ગયા છે. મંગળવારથી શરૂ થયેલી ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)ની બેઠકમાં વ્યાજ દરમાં કપાત નહીં આવે તેવી શકયતા વધી જતા ક્રિપ્ટો કરન્સીસમાં કડાકો બોલાઈ ગયો છે. હોંગકોંગમાં નવા લોન્ચ થયેલા છ સ્પોટ બિટકોઈન તથા એથર ઈટીએફસને નબળા પ્રતિસાદની પણ ભાવ પર અસર પડી હતી.

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૫૬૭૯૦ ડોલર અને ઉપરમાં ૬૧૪૦૦ ડોલર જોવાયો હતો. એથરમ ૨૯૦૦ ડોલર જ્યારે બીએનબી ૫૪૦ ડોલર બોલાતો હતો. અમેરિકામાં સ્પોટ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ) તરફના આકર્ષણમાં ઘટાડાને પરિણામે નવેમ્બર, ૨૦૨૨ બાદ વર્તમાન વર્ષનો એપ્રિલ સૌથી મોટી ક્રિપ્ટોસ બિટકોઈન માટે ખરાબ પસાર થયો છે. વિતેલા મહિનામાં બિટકોઈનના ભાવમાં ૧૪ ટકા ઘટાડો થયો છે. નવેમ્બર ૨૦૨૨માં એફટીએકસ પડી ભાંગ્યું ત્યારે બિટકોઈનમાં ૧૬ ટકા ઘટાડો નોંધાયો હતો.

જાન્યુઆરીમાં બિટકોઈન ઈટીએફસને મંજુરી આપ્યા બાદ બિટકોઈનમાં એકધારી તેજી જોવા મળી હતી અને માર્ચમાં તેનો ભાવ ૭૪૦૦૦ ડોલરની વિક્રમી સપાટીએ જોવા મળ્યો હતો. અમેરિકાના ૧૧ સ્પોટ ઈટીએફમાં માર્ચમાં ૪.૬૦ અબજ ડોલરનો નેટ ઈન્ફલોસ જોવાયો હતો. જ્યારે એપ્રિલમાં તેમાં ૧૮.૨૦ કરોડ ડોલરનો આઉટફલોસ જોવા મળ્યો છે. જો કે ફેડરલ રિઝર્વ દ્વારા નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો શકય નહીં બને તેવી ખાતરી થઈ ગયા બાદ એપ્રિલમાં બિટકોઈનની પડતી શરૂ થઈ હતી. ૧૯ એપ્રિલે બિટકોઈનની હાલ્વિંગ પ્રક્રિયાની પણ ભાવ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. હાલ્વિંગ પ્રક્રિયામાં બજારમાં નવા કોઈનના પૂરવઠામાં ઘટાડો થાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર