શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છનખત્રાણાના પ્રેમી યુગલે પો. સ્ટે.માં ગળા ઉપર બ્લેડ ફેરવી : યુવતીનું મોત

નખત્રાણાના પ્રેમી યુગલે પો. સ્ટે.માં ગળા ઉપર બ્લેડ ફેરવી : યુવતીનું મોત

મૂળ મોટી વિરાણી ગામના વતની પૂજા ભદ્ર (ઉ.વ.26) અને વિનોદ સતવારા (ઉ.વ.19) બે દિવસ પૂર્વે ઘરેથી ભાગી ગયા’તા : પૂજાના પિતાએ પોલીસને જાણ કરતા મોબાઈલ ટ્રેસ કરાયો જેમાં રાજકોટના પ્રેમ મંદિર પાસેનું લોકેશન મળ્યું’તું : નખત્રાણા પોલીસે જાણ કરતા રાજકોટ પોલીસ નોવા હોટેલમાં પહોંચી જ્યાંથી બંનેને યુનિવર્સિટી પો.સ્ટે. લઈ ગયા’તા : નખત્રાણા પોલીસ કબજો લેવા આવે તે પહેલા બંનેને નાગરિક સહાયક કેન્દ્રમાં બેસાડવામાં આવ્યા હોય જ્યાં દરવાજો બંધ કરી બંનેએ પગલું ભરી લીધું : પોલીસે દરવાજો તોડીને જોતા પૂજાનું મોત થયું’તું અને વિનોદ ગંભીર હોય સારવારમાં ખસેડવામાં આવ્યો

(આઝાદ સંદેશ), રાજકોટ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામેથી બે દિવસ પહેલા ગૂમ થયેલા યુવક અને યુવતીના મોબાઇલ ફોનના લોકેશન રાજકોટમાં પ્રેમ મંદિર નજીક મળતાં હોઇ ત્યાંની પોલીસે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-2ની ટીમે તપાસ કરી બંનેને હોટેલના રૂમમાંથી શોધી નખત્રાણા પોલીસને જાણ કરી હતી. આ પ્રેમી યુગલને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડયા હતાં. આ દરમિયાન બંનેએ પોતાને નખત્રાણા પોલીસ લઇ જશે એ પછી પરિવારજનો અલગ જ્ઞાતિને કારણે એક નહિ થવા દે, લગ્ન નહિ થવા દે તેવું લાગતાં બંનેએ પોતાના સામાનમાંથી બ્લેડ કાઢી પોતાના જ ગળા પર ઘા મારી દેતાં યુવતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, કચ્છના નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામમાં રહેતી પૂજા રૂપાભાઈ ભદ્ર (ઉ.વ.26) અને વિનોદ ગોવિંદભાઈ સતવારા (ઉ.વ.19) ગત તા.2 મેના રોજ રાત્રિના નવેક વાગ્યા આસપાસ ગામમાંથી નીકળી ગયા હતાં. પૂજાના પરિવારજનોએ આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દિકરી ગૂમ થવા અંગેની જાણ કરી હતી. જેમાં પૂજા રાતે નવેક વાગ્યે કોલગેટ લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરત આવી ન હોવાનું જણાવાયું હતું. નખત્રાણા પોલીસે મોબાઇલ લોકેશનને આધારે તપાસ કરતાં પૂજા રાજકોટમાં હોવાની માહિતી મળી હતી. એ દરમિયાન યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર. એચ. ઝાલા સહિતની ટીમ લોકેશનને આધારે પ્રેમ મંદિર પાસે આવેલી હોટેલ નોવા ખાતે પહોંચી હતી. જ્યાં રૂમ નં. 302માંથી પૂજા અને તેની સાથે વિનોદ મળી આવતાં બંનેએ પોલીસ સ્ટેશને આવવા સ્વખુશી જણાવતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતાં અને નખત્રાણા પોલીસને જાણ કરાઇ હતી. જ્યાં સુધી બંનેને નખત્રાણા પોલીસ લઇ ન જાય ત્યાં સુધી નાગરિક સુવિધા કેન્દ્રમાં રખાયા હતાં.
દરમિયાન રાતે નવેક વાગ્યા પછી પૂજા અને વિનોદે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પોતાની પાસેના સામાનમાં રાખેલી ધારદાર બ્લેડ કાઢી હતી અને પોતપોતાના ગળા પર જાતે જ ઘા મારી દીધા હતાં. આ અંગે પોલીસ સ્ટાફને જાણ થતાં દરવાજા તરફ દોડયા હતાં પણ દરવાજો અંદરથી બંધ હોઇ તોડીને જોતાં પૂજાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યાનું જણાયું હતું. જ્યારે વિનોદને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવની જાણ થતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી રાધીકા બારાઇ સહિતના પહોંચ્યા હતાં. તેમના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. આઇ. રાઠોડ, પીઆઇ જાદવ, એએસઆઇ રવૈયા, સમીરભાઇ શેખ, રઘુભા વાળા, રાઇટર રાજેશભાઇ મીયાત્રા, લક્ષમણભાઇ મકવાણા અને ડી. સ્ટાફની ટીમે કાર્યવાહી આદરી હતી. આ ઘટના કસ્ટોડીયલ ડેથની ગણી એસડીએમને જાણ કરવામાં આવતાં તેમની હાજરીમાં પૂજાના મૃતદેહનું પંચનામુ કરાવી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. યુવતિના પરિવારજનો આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, આપઘાત કરનાર પૂજા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા રૂપાભાઇ કાનાભાઇ ભદરૂ કડીયા કામની મજૂરી કરે છે. માતાનું નામ પાનબેન છે. જ્યારે કે, વિનોદના પરિજનો અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી. તેની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

પરિવારજનો એક નહીં થવા દે તેવી બીકથી પગલું ભર્યું : ડીસીપી સુધીરકુમાર દેસાઇ

આ ઘટનામાં ડીસીપી સુધીરકુમાર અને એસીપી રાધિકા બારાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. નાગરિક સુવિધા કેન્દ્રમાંથી બ્લેડ મળી આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ પૂજા અને વિનોદ બંને પ્રેમ કરતાં હતાં. પરંતુ અલગ જ્ઞાતિના હોવાથી તેમનો પરિવાર તેમના લગ્ન નહિ થવા દે તેવો વિચાર મનમાં આવતાં ગામમાંથી નીકળી ગયા બાદ રાજકોટમાં હોટેલમાં રોકાયા હતાં અને અહિ પોલીસે શોધી કાઢી નખત્રાણા પોલીસને જાણ કરતાં પરિવારજનો લઇ જશે પછી અલગ કરી દેશે તેવુ લાગતાં બંનેએ પોતાના ગળા પર બ્લેડના ઘા મારી દીધા હતાં. જેમાં પૂજાનું મોત થયુ઼ હતું. વિનોદ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. એસીપી રાધિકા બારાઇ આગળની તપાસ કરે છે.

પૂજા કોલગેટ લેવા જવાનું કહીં નીકળી હતી, અમે શોધી પણ લાશ મળી : રૂપાભાઈ

યુનિવર્સિટી પોલીસ મથકે બનેલી ઘટનામાં પોલીસે મૃતક યુવતી પૂજાના પરિજનોને આ ઘટનાની જાણ કરતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતા. દરમિયાન પૂજાના મૃતદેહને જોઈને પિતા રૂપાભાઇએ કહ્યું હતું કે બુધવારે તા. 2ના રાતે હું કામેથી ઘરે આવ્યો ત્યારે દિકરી પૂજા કોલગેટ લેવા જવાનું કહીને નીકળ્યા પછી પરત ન આવતાં અમે શોધખોળ શરૂ કરી હતી અને પોલીસમાં ગૂમ થયાની જાણ કરી હતી. દરમિયાન ગત રાતે શુક્રવારે અમને દિકરી રાજકોટમાં હોવાની જાણ થતાં અમે આજે શનિવારે અહિ આવ્યા હતાં. અહિ અમને દિકરી મૃતદેહ સ્વરૂપે મળી હતી. તેમ કહી પિતાએ પોક મુકી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર