શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટબળબળતાં તાપમાં ભિક્ષુકો રોડમાં મનપાની પ્રોેજેક્ટ શાખા એસીની મોજમાં !

બળબળતાં તાપમાં ભિક્ષુકો રોડમાં મનપાની પ્રોેજેક્ટ શાખા એસીની મોજમાં !

અંદાજે 20 લાખની વસતી વચ્ચે હરતાં ફરતાં અને આાકરી ગરમીમાં ફૂટપાથ પર રહેતા ભિક્ષુકો મનપાની પ્રોજેકટ શાખાને કેમ દેખાતાં નથી 18 વોર્ડમાં માત્ર છ રેન બસેરા જ કાર્યરત તેમાં પણ માત્ર 86 આશ્રિતો જ..!

(આઝાદ સંદેશ) રાજકોટ : એક તરફ ઉનાળો તેનો આકરો મિજાજ બતાવી રહ્યો છે ત્યારે બીજી બાજું શહેરના 18 વોર્ડમાં અંદાજે 20 લાખની વસતી વચ્ચે હરતાં ફરતા અને ભિક્ષાવૃતિ કરતાં કે નાની મોટી વસ્તુઓ વેંચીને ગુજરાન ચલાવતાં ભિક્ષુકો બળબળતાં તાપમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પર આશરો લઇ રહ્યા હોવાછતાં મહાનગર પાલિકાની પ્રોજેક્ટ શાખાની નજરે ચડતાં નથી. એક તરફ મહાનગર પાલિકાની જ આરોગ્ય શાખા ગરમી અને લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર કરે છે ત્યારે બીજી તરફ મહાનગર પાલિકાની પ્રોજેક્ટ શાખાના અધિકારી અને કર્મચારીઓ આકરાં ઉનાળામા ફિલ્ડવર્ક કરવાને બદલે એરકન્ડિશન ઓફિસમાં નિરાંતે બેસીને નોકરીનો સમય પુરો કરવાનો સંતોષ લઇ રહ્યા છે.
રાજકોટના વિસ્તરતાં જતાં વિસ્તાર અને વિકાસ વચ્ચે ભિક્ષુકોને આશ્રય આપવા માટે માત્ર છ રેન બસેરા છે. પણ પ્રોજેક્ટશાખાની કામ ન કરવાની વૃતિને કારણે આખા રાજકોટમાંથી માત્ર 86 જ ભિક્ષુકો જ આશ્રય લઇ રહ્યા છે. ! મહાનગર પાલિકાની પ્રોજેક્ટ શાખા આવા ભિક્ષુકોને ઘર વિહોણા ગણીને આડકતરી રીતે ચોમાસા ઉનાળા કે શિયાળાની ઋતુમાં તેઓ પાસે રહેવા માટે છાપરૂં નથી એ વાતનો આડકતરો સ્વીકાર પણ કરે છે. આમ છતાં શહેરમાં અત્યારની સ્થિતિએ
બળબળતાં તાપમાં જાહેર માર્ગ પર કે ફૂટપાથ પર રાત દિવસ ગુજારતાં આવા ઘર વિહોણા લોકોને રેનબસેરામાં આશ્રય આપવા માટે કોઇ જ કામગીરી કરતી નથી. ઘર વિહોણા લોકોને ગરમીથી બચાવાવ માટે પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ ગરમીમાં કામ કરીને પરસેવો પાડવા તૈયાર નથી !
રાજકોટમાં આવેલા આ રેન બસેરા કે ડોરમેટરીની જવાબદારી અલગ અલગ સંસ્થાઓને સોંપવામાં આવી છે. પ્રોજેક્ટ શાખાનો બચાવ એવો છે કે, ઘર વિહોણા લોકોને રેનબસેરામા લાવવાની જવાબદારી જેતે સંસ્થાની છે. આમાં હોસ્પિટલ ચોકમાં શાળા નં. 10માં આવેલા રેનબસેરાની જવાબદારી અસ્તિત્વ ચેરિટેબલ ટ્રસ્ટ, ભોમેશ્ર્વર વાડી શેરી નં. 2માં આવેલા ડોરમેટરીની સ્ત્રી વિભાગની જવાબદારી વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને પુરૂષ વિભાગની જવાબદારી અસ્તિત્વ ચેરિટેબલ ટ્રસ્ટ, બેડીનાકા આજીનદીના કાંઠે આવેલા રેનબસેરાની જવાબદારી સત્યનામ રચનાત્મક વિકાસ મંડળ, મરચાપીઠ જુના ઢોરડબ્બા પાસે આવેલા સ્ત્રીઓ માટેના ડોરમેટરીનું સંચાલન પ્રાર્થના સહિયર મહિલા મંડળ, આજીડેમ ચોકડી જુના જકાતનાકા પાસેના ડોરમેટરીનું સંચાલન વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેલ ટ્રસ્ટ અને રામનગર આજી વસાહત 80 ફૂટ રોડ પર આવેલા રેનબસેરાનું સંચાલન વિદ્યાર્થી કલ્યાણકેન્દ્ર ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. પણ પ્રોજેક્ટશાખાએ ક્યારેય આ સંસ્થાઓ પાસેથી કામગીરીન વિગતો માંગી નથી કે સંસ્થાના સંચાલકો સાથે બેઠક કરીને કામગીરનું ‘હોમવર્ક’ આપ્યુ છે ! એનુ એક કારણ એ છે કે જો સંચાલક સંસ્થાના હોદ્દેદારો સાથે બેઠક કરીને તેની કામગીરી ચકાસવામાં આવે કે હોમવર્ક આપવામાં આવે તો પ્રોજેક્ટશાખાના ‘આળસુ અધિકારીઓ અને સ્ટાફ’ને પણ ગરમીમાં કામ કરવા બહાર નીકળીને પરસેવો પાડવો પડે તેમ છે. આ કારણે પ્રોજેક્ટશાખા સંસ્થાઓની મનમાની ચલાવીને હોતી હૈ ચલતી હૈની ઢીલી નીતિ અપનાવી રહી છે.
પ્રોજેક્ટ શાખા દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે આ રેનબસેરા (આશ્રયસ્થાનો)માં રહેતા ઘર વિહોણા લોકોને રહેવાની મફત સુવિધા સાથે આરોગ્ય, શિક્ષણ આંગણવાડી સહિતની પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી છે.પણ છેલ્લે ક્યારે આરોગ્ય ચકાસણી કરાઇ ? આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજનની ગુણવતા ક્યારે ચકાસવામાં આવી ? તેની વિગતો પ્રોજેક્ટશાખા કાયમ છૂપાવતી આવી છે.

રેનબસેરામાંથી ભિક્ષુકો ભાગી જાય છે : પ્રોજેક્ટ શાખાનો લૂલો બચાવ

પ્રોજેક્ટ શાખા એવો લૂલો બચાવ કરી રહી છે કે કોઇપણ ઘરવિહોણા લોકોને રેનબસેરામાં આશ્રય માટે લઇ જવામાં આવે તો તેઓ અહીં રહેવાને બદલે ભાગી જાય છે. કોઇપણ સ્થળેથી ભિક્ષુકોને રેન બસેરામાં લાવવાની કામગીરી કે ઝુંબેશ કરવામાં આવે તો તેઓ ભાગી જાય છે કે આવવા માટે ઇન્કાર કરે છે. ત્યારે પ્રોજેક્ટ શાખા મહાનગરપાલિકાની વિજીલન્સ ટીમનો સહકાર કેમ લેતી નથી? તેનો જવાબ અધિકારીઓ પાસે પણ નથી.

ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની કામગીરી પણ કાગળ પર!

શહેરમાં અનેક સ્થળોએ જાહેર રોડ રસ્તા પર કે જાહેર સ્થળોએ ભિક્ષાવૃતિ કરનારા બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં આવેલા ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની કામગીરી પણ માત્ર કાગળ પર હોય તેમ ભિક્ષાવૃતિ કરનારા બાળકોને અટકાવવાનો પ્રયાસ ક્યારેેય કરવામા આવતો નથી. આવી જ સ્થિતિ શહેરમાં વધતાં જતાં બાળમજૂરોની છે. ચાની હોટલ કેબીનો સહિતના અનેક સ્થળોએ બાળ મજૂરો મોટી સંખ્યામાં જોવા મળે છે.આમછતાં આ સામે કોઇ કામગીરી કરાતી નથી.

પ્રોજેક્ટ શાખાએ 56 ઘર વિહોણા લોકોને રેનબસેરાની જાણકારી આપી તડકે શેકાતા છોડી દીધા!

લાંબા સમય બાદ મનપાની પ્રોજેક્ટ શાખા પટમાં આવી હોય તેમ ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત માં આશ્રયસ્થાન (રેનબસેરા)નો લાભ વધુમાં વધુ ઘરવિહોણા લોકો મેળવે તે માટે તા.24 થી તા.26 દરમિયાન શહેરના કાલાવડ રોડ, કિશાનપરા ચોકથી જડુસ બ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોક, બાલાજી હનુમાનજી મંદિર, સિટી ગેસ્ટ હાઉસ, 150 ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી, રૈયા ગામ, હનુમાન મઢી, રેસકોર્સ પાસે દિવસના બપોર સમય દરમિયાન ડ્રાઈવ કરી તડકાથી શેકાતા 56 ઘરવિહોણા લોકોને રેનબસેરા અંગે માહિતી પ્રદાન આપી હતી પણ તેઓને ગરમી તડકામાંથી રાહત આપવા રેનબસેરામાં ખસેડવાને બદલે ફરીથી તડકે શેકાતા છોડી દીધા હતા !

સંબંધિત સમાચાર

તાજા સમાચાર