મંગળવાર, મે 21, 2024

ઈ-પેપર

મંગળવાર, મે 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં : માંધાતાસિંહ જાડેજા

અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં : માંધાતાસિંહ જાડેજા

ભવ્યાતિભવ્ય સંસ્કાર વારસો ધરાવતાં ક્ષત્રિયોને નિશાના પર લેવાની પ્રક્રિયા સદંતર બંધ થવી જોઇશે : રાહુલ ગાંધીએ હરીફ રાજકીય પક્ષ ઉપર પ્રહાર કરતી વખતે
રાજા – મહારાજાઓને નિશાના પર લઇને જાહેરમાં કરેલાં વિધાનોની ગંભીર નોંધ લઇને રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ નારાજગી વ્યક્ત કરી

(આઝાદ સંદેશ), રાજકોટ : કર્ણાટકના બેલ્લારી ખાતે ચૂંટણી સભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ હરીફ રાજકીય પક્ષ ઉપર રાજકીય પ્રહાર કરતી વખતે રાજા-મહારાજાઓને નિશાના પર લઇને જાહેરમાં કરેલાં વિધાનોની ગંભીર નોંધ લઇને રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ ભયંકર નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશનું એક નૂત્તન યુગના પથ ઉપર પ્રયાણ થઇ ચુક્યું છે ત્યારે જાહેર જીવનના મોભીઓએ પોતાની વાણી ઉપર સંપૂર્ણ સંયમ રાખવો જોઇએ. ભારતના રાજાશાહી યુગના રાજવીઓ સહિત ક્ષત્રિયકૂળમાં જન્મ લેનારા પ્રત્યેક ક્ષત્રિયોની રાષ્ટ્ર પ્રત્યેની શ્રદ્ધા, કટીબધ્ધતા, સમર્પિતતા અને અસ્મિતાનો અભ્યાસ કર્યા વિના કેવળ પોતાની મહત્વાકાંક્ષા અને રાજકીય સ્વાર્થની પરિપૂર્તિ માટે મનમાં આવે તેવાં શબ્દપ્રયોગો કરીને કોઇપણ વ્યક્તિવિશેષ કે સમાજની ગરિમાનું હનન થાય તેવો બફાટ કરવો એ ભારતીય એકતા, અખંડતા, સામાજિક સમરસતા અને સૌહાર્દ પૂર્ણ તંદુરસ્ત સમાજ વ્યવસ્થા ઉપર કુઠારાઘાત સમાન છે.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક જવાબદાર વ્યક્તિ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના નેતાના મુખેથી ભારતીય રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને રાષ્ટ્રને સમર્પિત રાજાઓ-મહારાજાઓ માટે હીનકક્ષાની મનઘડંત વાત કરીને રાહુલ ગાંધીએ તેમની પોતાની રાજકીય અપરિપકવતા ઉપરાંત નિમ્નકક્ષાની સોચ અને માનસિક્તાનું દર્શન કરાવ્યું છે. જાહેર જીવનના મોભીઓના મુખેથી વારંવાર થતાં કોઇપણ પ્રકારના વાણીવિલાસથી આપણી એકતા અને અખંડીતતા ચૂરચૂર થઇ જશે એટલું જ નહીં પરંતુ વિવિધતામાં એકતાના ભારતીય ધ્યેયમંત્રનો પણ વિનાશ નોતરશે. એક રાજવી તરીકે અમો પ્રત્યેક જીવ પ્રત્યે સ્નેહ, સૌહાર્દ, આદર, સમભાવ, સંવેદના અને સહિષ્ણુતા દાખવીએ છીએ એ અમારાં ક્ષત્રિયકૂળના વિશિષ્ઠ સંસ્કાર અને પરંપરા છે. એનો મતલબ એ નથી કે વ્યક્તિગત સ્વાર્થની પરિપૂર્તિ અથવા રાજકીય લાભા-લાભ માટે કોઇપણ વ્યક્તિ કોઇપણ સમયે રાજા-મહારાજાઓ કે ક્ષત્રિય સમાજને નિશાન બનાવીને જાહેર ટીપ્પણીઓ કરી અમારી લાગણીને ઠેસ પહોંચાડવા માટેના દૂષ્કૃત્યો કરતાં રહે અને અમો ક્ષત્રિયો દરેક વખતે મોટું મન રાખીને બધાંને માફ કરતાં રહીએ. ક્ષત્રિયોએ રાષ્ટ્ર માટે કેવાં કેવાં અને કેટકેટલાં સ્વરૂપે બલિદાનો આપ્યાં છે તેનાં માટે કોઇની પણ પાસેથી કોઇપણ પ્રકારના કોઇ પ્રમાણપત્રોની આવશ્યક્તા અમો રાજવીઓ કે ક્ષત્રિય સમાજને ભૂતકાળમાં ક્યારેય હતી નહીં, વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં પણ કદાપિ રહેશે નહીં. માંધાતાસિંહે વધુમાં કહ્યું હતું કે, સને 2024ની લોકસભા ચૂંટણી એ આપણે સહુ સનાતન ધર્મ અને સનાતન ભારતીય સંસ્કૃતિના સંવાહકો માટે અતિશય મહત્વપૂર્ણ ચૂંટણી છે. એટલે ભવિષ્યની સર્વાંગી સુખાકારી માટે પણ વર્તમાન સમય ગમા-અણગમા, આક્ષેપો-પ્રતિ આક્ષેપો કે વાદ-વિવાદનો નહીં પરંતુ સંવાદની ભૂમિકાથી સામૂહિક સ્વરૂપે આગળ ધપવાનો છે. આપણી અખંડ ઉપાસનાના કેન્દ્ર સ્વરૂપ ગૌરવશાળી ભારતીય ઐતિહાસિક ધરોહરો, સનાતન ધર્મ અને હિન્દુત્વની રક્ષા માટે પ્રત્યેક ભારતવાસીએ વ્યક્તિ, જૂથ, જ્ઞાતિ, સમાજ, ભાષા, ધર્મ, પરંપરા અને વિચારભેદ જેવી અનેકવિધ બાબતોથી પુર્ણતયા: ઉપર ઊઠીને રાષ્ટ્ર પ્રથમની વિભાવનાને વાચા આપવા માટે કમર કસવી જોઇએ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર