રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઆ વર્ષે એપ્રિલ ઐતિહાસિક ગરમ રહ્યો, જળવાયુ પરિવર્તનને કારણે દર વર્ષે રૂ....

આ વર્ષે એપ્રિલ ઐતિહાસિક ગરમ રહ્યો, જળવાયુ પરિવર્તનને કારણે દર વર્ષે રૂ. 38 લાખ કરોડના નુકસાનની ભીતિ

એપ્રિલમાં સરેરાશ તાપમાન 15.03 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 1850-1900ના ઔદ્યોગિક સમય પહેલાના તાપમાન કરતાં 1.58 ડિગ્રી સેલ્સિયસ વધારે અને 1991-2020ની સરખામણીમાં 0.67 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : યુરોપની આબોહવા એજન્સી કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસનું કહેવું છે કે એપ્રિલ 2024 એ અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો બનવાનો છે. એપ્રિલ 2024માં ભારે ગરમી હતી અને આ સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં પૂર, દુષ્કાળ, વરસાદ જેવી આપત્તિઓથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. આ સતત 11મો મહિનો છે જેમાં રેકોર્ડ તાપમાન નોંધાયું છે. તાપમાનમાં વધારો અલ નીનોની અસર અને વાતાવરણમાં ફેરફારને આભારી છે.
રિપોર્ટ અનુસાર, એપ્રિલમાં સરેરાશ તાપમાન 15.03 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 1850-1900ના ઔદ્યોગિક સમય પહેલાના તાપમાન કરતાં 1.58 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. જ્યારે 1991-2020ની સરખામણીમાં એપ્રિલ 2024નું સરેરાશ તાપમાન 0.67 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. અગાઉ એપ્રિલ 2016માં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું, પરંતુ એપ્રિલ 2024એ તે રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. કોપરનિકસ ક્લાઈમેટ એજન્સીના ડિરેક્ટર કાર્લો બ્યુનોટેમ્પોએ જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં અલ નીનો અસર તેની ટોચ પર હતી, પરંતુ હવે પૂર્વીય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય તરફ ફરી રહ્યું છે, આ હોવા છતાં દરિયાની સપાટીનું તાપમાન હજુ પણ વધી રહ્યું છે જેના કારણે એવું માનવામાં આવે છે કે એપ્રિલ 2024માં રેકોર્ડ તાપમાન નોંધાયું હતું. એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક તાપમાન છેલ્લા 12 મહિનામાં સૌથી વધુ નોંધાયું હતું અને તે ઔદ્યોગિક સમયગાળા (1850-1900) પહેલા કરતા 1.61 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. વિશ્ર્વભરના દેશોએ વૈશ્ર્વિક તાપમાનના સરેરાશ વધારાને પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ, અન્યથા તેના ગંભીર પરિણામો આવી શકે છે. જર્મનીના પોટ્સડેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઈમેટ ઈમ્પેક્ટ રિસર્ચના તાજેતરના અભ્યાસ અનુસાર, ક્લાઈમેટ ચેન્જના કારણે વૈશ્ર્વિક અર્થતંત્રને 2049 સુધીમાં દર વર્ષે લગભગ 38 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે. ખાસ કરીને એવા દેશો જે ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર નથી તેમને ક્લાઈમેટ ચેન્જને કારણે સૌથી વધુ નુકસાન થશે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જળવાયુ પરિવર્તનના કારણે વિશ્ર્વના અનેક દેશોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. એશિયાઈ દેશો હાલના દિવસોમાં ગરમીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ફિલિપાઈન્સમાં પણ શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે બીજી તરફ ભારતમાં પણ હાલના સમયમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે જો કે, અમુક રાજ્યોમાં વરસાદ પણ કહેર મચાવી રહ્યો છે. તે જ સમયે 75 વર્ષના ઇતિહાસમાં સંયુક્ત આરબ અમીરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે હવે લા નીના ઈફેક્ટ દેખાવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારતમાં સારા વરસાદની અપેક્ષા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર