રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ 4ના મોત

રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ 4ના મોત

મતદાન કરીને આવેલા મધુવન પાર્કના રમેશભાઈ વેકરીયા (ઉ.વ.60), મહિકામાં સપ્તાહમાં ગયેલા વિજયાબેન સાગઠિયા (ઉ.વ.42) ભોજનની પ્લેટ લેતા હોય ત્યારે બેભાન થઈ ગયા’તા : કોઠારીયા રોડ ઉપર મેહુલનગરના જાગૃતિબેન બગડાઈ (ઉ.વ.53)ને રાતે હૃદય બંધ પડી જતા સિવિલમાં ખસેડાતા મૃત જાહેર કરાયા

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટમાં હાર્ટ એટેકના લીધે વધુ 4 લોકોના મોત થયા હતા. જેમાં કુવાડવા રોડ મધુવન પાર્કમાં વૃધ્ધ મતદાન કરીને ઘરે આવ્યા બાદ ઢળી પડતાં મૃત્યુ થયું હતું. ઉપરાંત ત્રંબા નજીકના મહિકા ગામે સાંજે કથાના સ્થળે જમણવાર હોઇ ત્યાં લાઇનમાં ઉભેલા મહિલા એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. જ્યારે કે, મેહુલનગરના મહિલાનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું તેમજ આજીડેમના પાળા પર બેઠેલા વૃધ્ધને એકાએક હાર્ટએટેક આવતાં પાણીમાં પડી જતાં મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, કુવાડવા રોડ પર મધુવન પાર્ક-4માં રહેતાં રમેશભાઇ જાદવભાઇ વેકરીયા (ઉ.વ.60) મતદાન કરીને ઘરે આવ્યા બાદ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ જીવ બચ્યો નહોતો. હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્યું હતું. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. પુત્રને યાર્ડમાં અનાજ કરીયાણાની દુકાન છે. આ ઉપરાંત મહિકામાં રહેતાં વિજ્યાબેન મનસુખભાઇ સાગઠીયા (ઉ.વ.42) સાંજે ગામમાં કથાનું આયોજન થયું હોઇ તે સ્થળે ગામલોકોનો જમણવાર હોઇ ત્યાં જમવા માટે ગયા હતાં. જમણની લાઇનમાં ઉભા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ જીવ બચ્યો નહોતો. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ આજીડેમ પોલીસને કરી હતી. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું.
ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ મેહુલનગર-5માં રહેતાં જાગૃતીબેન જગદીશભાઇ બગડાઇ (ઉ.વ.53) રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. મૃતકના પતિ શાકભાજીનો ધંધો કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
જ્યારે કે, જૈન દેરાસર સામે આજીડેમના પાળા પર સાંજે એક વૃધ્ધ બેઠા હતાં અને નજીકમાં મહિલાઓ કપડા ધોઇ રહી હતી ત્યારે વૃધ્ધ એકાએક પાળા પરથી પાણીમાં ઢળી પડયા હતાં. 108 અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં વૃધ્ધને બહાર કાઢવામાં આવ્યા હતાં. પણ તેમનું મૃત્યુ થયાનું તબિબે જાહેર કરતાં આજીડેમ પોલીસના હેડકોન્સ. જયદિપભાઇ બોસીયાને કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ વૃધ્ધને હાર્ટએટેક આવતાં તેઓ પાણીમાં પડી ગયા હતાં. તેમની ઓળખ થઇ શકી ન હોઇ પોલીસ વાલીવારસને શોધી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર