ભક્તિનગર પીઆઇ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમે દબોચેલી ત્રિપુટીએ દસેક જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબુલાત આપી : 92,500નો મુદ્દામાલ કબજે
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેર પોલીસના સઘન પ્રયાસો પછી પણ રિક્ષા ગેંગ છાનેખૂણે એક્ટિવ રહી મુસાફરોને નિશાન બનાવતી હોવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે પોલીસ પણ સક્રિય બની મુસાફરોના ખિસ્સા ખાલી કરનાર ટોળકીને સમયાંતરે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી હોય છે. હાલ આવા જ એક બનાવમાં નોંધાયેલી ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે રિક્ષા ગેંગ બેલડીને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનરે ગુનાખોરીને ડામી દેવા સૂચના આપી હોય તેમજ બનેલ ગુનાઓના ભેદ તાત્કાલિક ઉકેલવાનું પણ જણાવ્યું હોય જેને ધ્યાને લઇ થોડા સમય પૂર્વે મુસાફરને રિક્ષામાં બેસાડ્યા બાદ ઉલ્ટી-ઉબકા કરવાનું નાટક કરી રિક્ષામાંથી ઉલટી કરવા મોઢુ બહાર કાઢતી વેળાએ મુસાફરની નજર ચુકવી તેના ખિસ્સામાં રહેલા રૂ.7500 ભરેલુ પાકીટ સેરવી લીધુ હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકે નોંધાઇ હતી. બનાવની ફરિયાદને પગલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ગુનો ઉકેલવા જુદી-જુદી ટીમો કાર્યરત હોય ત્યારે ટીમના પીએસઆઇ જે.જે. ગોહિલ, પો.કો. પ્રકાશ મકવાણા અને કુલદીપસિંહ ઝાલાએ બનાવ સ્થળના જુદા-જુદા સીસીટીવી ચકાસી તેમજ વિવિધ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસમાંથી મળેલી બાતમીના આધારે ચોરીને અંજામ આપનાર રિક્ષા પર બાજ પક્ષીની કલગી લગાવેલ છે તેવી માહિતી મળતાં તેના આધારે વોચમાં હોય ત્યારે નાગરિક બેન્ક ચોક તરફથી ઢેબર રોડ તરફ હાલ આ રિક્ષા ગેંગના સભ્યો સક્રિય હોય જેના આધારે ટીમે વોચ ગોઠવી બાતમીવાળી રિક્ષાને અટકાવી તેમાં સવાર ત્રિપુટીની આગવીઢબે પૂછપરછ કરતા ત્રણેયે થોડા સમય પૂર્વે રૂ.7500 ભરેલુ પાકીટ સેરવી લીધુ હોવાની કબુલાત આપી હતી. જેને પગલે ભક્તિનગર પોલીસે સંજય બાંભણિયા (ઉ.વ.35), કરણ સાથળિયા (ઉ.વ.20), અર્જુન સોલંકી (ઉ.વ.19) ત્રણેયની અટકાયત કરી રોકડ તેમજ રિક્ષા મળી કુલ રૂ.92,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથોસાથ ભક્તિનગર પોલીસે કરેલી પૂછપરછમાં ત્રણેય ભેગા થઇ રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં એકસરખી જ મોડસ ઓપરેન્ડીથી દસેક જેટલી ચોરીઓને અંજામ આપ્યો હોવાની પણ કબુલાત આપી હતી. જેને લઇ તેની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઝડપાયેલા સંજય વિરુદ્ધ રાજકોટ અને મોરબીમાં જુદા-જુદા ચાર ગુના નોંધાયેલ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ઉપરોકત કામગીરીમાં સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ એમ.એન. વસાવા, હિતેન્દ્રસિંહ ઝાલા, પ્રભાત મૈયડ, હરવીજયસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ રોકાયેલ હતો.