નવી દિલ્હી : ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલની સેના IDFએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘હસન નસરાલ્લાહ ફરી ક્યારેય દુનિયાને આતંકિત કરી શકશે નહીં. શુક્રવારે લેબનોનના બેરૂતમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહના મોતની અફવાઓ એ જ સમયે શરૂ થઈ જ્યારે માહિતી સામે આવી કે ઈઝરાયેલની સેનાએ હિઝબુલ્લાના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે. તેમજ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ પોતાનો યુએસ પ્રવાસ અધવચ્ચે જ છોડી ઈઝરાયેલ જવા રવાના થઈ ગયા હતા. ત્યારથી હિઝબુલ્લાહના ટોચના નેતાના મોતની અટકળો ચાલી રહી હતી. હવે ઈઝરાયેલી સેનાએ હસન નસરાલ્લાહના મોતની પુષ્ટિ કરીને આ અટકળોને સાચી સાબિત કરી છે.
શુક્રવારે ઇઝરાયેલની સેનાએ લેબનોનની રાજધાની બેરૂતમાં અનેક ટાર્ગેટ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં હિઝબુલ્લાના સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હવે ઈઝરાયેલની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેમના હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ અને હિઝબુલ્લાહના દક્ષિણી મોરચાના ચીફ અલી કરાકી અન્ય કમાન્ડરો સાથે માર્યા ગયા છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે લક્ષ્ય બેરૂતના દક્ષિણ ઉપનગરમાં હિઝબોલ્લાહનું મુખ્ય મથક હતું, જે રહેણાંક ઇમારતોની નીચે ભૂગર્ભમાં સ્થિત હતું.