મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયરાહુલની પાછળ ચોથી હરોળમાં બેસી પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણની નકલ સાથે સાંસદ...

રાહુલની પાછળ ચોથી હરોળમાં બેસી પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણની નકલ સાથે સાંસદ તરીકે શપથ લીધા

પહેલીવાર ગાંધી-નહેરુ પરિવારના 3 સભ્યો સંસદમાં હાજર થશે. પ્રિયંકાના ભાઈ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે જ્યારે તેમની માતા સોનિયા રાજ્યસભા સાંસદ છે. તે પહેલીવાર કોઈ પણ ગૃહની સભ્ય બની છે.

પહેલી વાર લોકસભામાં ચૂંટાઇ આવેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરૂવારે લોકસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે પ્રિયંકાનો આખો પરિવાર પણ સદનમાં હાજર હતો. સંસદ ભવનમાં માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ઉપરાંત પતિ રોબર્ટ, તેમના પુત્ર રેહાન વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રા પણ હાજર હતા.

સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ ક્રિમ કલરની સાડી પહેરીને સંસદ ભવન પહોંચેલી પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ દરમિયાન પ્રિયંકાના હાથમાં સંવિધાનની એક કોપી હતી અને તે તેને હવામાં બતાવી રહી હતી. તેમણે હિન્દી ભાષામાં શપથ લીધા હતા.

Read:મહારાષ્ટ્રના તમામ પ્રોજેક્ટ ગુજરાતને આપવામાં આવ્યા હતા, અમને ગુજરાતમાંથી…

ચોથી હરોળમાં બેઠી પ્રિયંકા

પ્રિયંકા ગાંધીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે રોબર્ટ વાડ્રા, પુત્ર રેહાન વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રા સંસદ ભવન પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી પોતાની માતા સોનિયા ગાંધી સાથે સંસદ ભવન પહોંચ્યા હતા. સંસદ ગેલેરીમાં માતા સોનિયા ગાંધી, રોબર્ટ વાડ્રા, રોબર્ટની માતા, બે બાળકો, મલ્લિકાર્જુન ખડગે અને રણજિત રંજન સહિત કોંગ્રેસના અનેક સાંસદો પણ બેઠા હતા.

શપથ લીધા બાદ પ્રિયંકાએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ પ્રિયંકાએ વિપક્ષમાં આગળની હરોળમાં બેઠેલા નેતાઓનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. ગૃહમાં વિપક્ષના નેતા અને તેમના ભાઈ રાહુલ ગાંધીએ પણ હાથ જોડીને તેમની શુભેચ્છાઓ સ્વીકારી હતી.

શપથ લીધા બાદ પ્રિયંકા વિપક્ષી સાંસદો માટે ખુરશીની ચોથી હરોળમાં જઇને ત્યાં જ બેસી ગઇ હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આગળની હરોળમાં બેઠા હતા.

સંસદીય યાત્રાની શરૂઆત હંગામો સાથે થઈ હતી

જો કે પ્રિયંકા ગાંધીની સંસદીય સફરની શરૂઆત હોબાળા સાથે થઇ હતી. શપથ ગ્રહણ પૂર્ણ થયા બાદ કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો. હોબાળા બાદ સ્પીકરે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

આ પહેલા પ્રિયંકાએ લોકસભામાં એન્ટ્રી કરતા જ કોંગ્રેસના સાંસદોએ તેમને ઘેરી લીધા હતા અને લોકો ફોટો અને સેલ્ફી લેવા લાગ્યા હતા. શપથ લીધા બાદ મીસા ભારતી, દીપેન્દ્ર હુડ્ડા અને શશિ થરૂર સહિત અનેક સાંસદોએ તેમની સાથે મુલાકાત કરી હતી.

પ્રથમ વખત ચૂંટણી લડીને સાંસદ બન્યા

પ્રિયંકા ગાંધીએ પહેલી વાર ચૂંટણી લડી હતી. ગયા અઠવાડિયે સમાપ્ત થયેલી કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટા-ચૂંટણીમાં તેઓ નીચલા ગૃહમાં ચૂંટાયા હતા. તેમણે વાયનાડ લોકસભાની બાયપોલમાં ચાર લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી હતી.

મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના નેતા રવિન્દ્ર બસંતરાવ ચવ્હાણે પણ આજે ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા. ચવ્હાણે મરાઠી ભાષામાં શપથ લીધા હતા.

ગૃહમાં ગાંધી-નહેરુ પરિવારના 3 સભ્યો

દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ગાંધી-નહેરુ પરિવારના ત્રણ સભ્યો સંસદમાં દેખાશે. પ્રિયંકાના ભાઈ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે જ્યારે તેમની માતા સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ છે. પ્રિયંકા પહેલીવાર કોઈ પણ ગૃહની સભ્ય બની છે.

પ્રિયંકા ગાંધીએ 5 વર્ષ પહેલા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ તેમણે ચૂંટણી નહોતી લડી. ત્યાર બાદથી તેઓ પાર્ટીના મહાસચિવ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર