‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં બનેલી આ ઘટનાને કારણે અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ હવે હાઇકોર્ટના આદેશ બાદ અભિનેતાને છોડી મૂકવામાં આવ્યો છે.
અભિનેતા અલ્લુ અર્જુન જેલમાંથી છૂટી ગયો છે. તેલંગાણા હાઈકોર્ટે તેમને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. અલ્લુ અર્જુનની હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડના મામલે ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે તેને ૧૪ દિવસના રિમાન્ડ પર લીધો હતો. જોકે બાદમાં તેમને હાઇકોર્ટમાંથી રાહત મળી હતી.
શુક્રવારે મોડી રાત સુધી જેલ અધિકારીઓને જામીનની કોપી ન મળતા અલ્લુ અર્જુને જેલમાં રાત વિતાવી હતી. નીચલી કોર્ટના આદેશ બાદ અલ્લુ અર્જુનને ચુસ્ત સુરક્ષા વચ્ચે ચંચલગુડા જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
અકસ્માતની વાત કરીએ તો તેમાં એક મહિલાનું મોત થયું હતું. તેમનો 8 વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો. હૈદરાબાદ પોલીસે મહિલાના પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ચિકદપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (બીએનએસ)ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધ્યો હતો.
આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ
અલ્લુ અર્જુને ૧૧ ડિસેમ્બરે તેલંગાણા હાઈકોર્ટમાં મહિલાના મોતના સંદર્ભમાં તેની સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. શુક્રવારે અલ્લુ અર્જુનને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ તરત જ, હાઈકોર્ટે તેને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા અને મામલાની વધુ સુનાવણી 21 જાન્યુઆરી, 2025 સુધી મુલતવી રાખી હતી.