મૂળ જામજોધપુરના વતની અને હાલ લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા ગૌતમ મકવાણા (ઉ.વ.22)ની ફરિયાદ પરથી તાલુકા પોલીસ મથકમાં સાત શખસો સામે ગુનો નોંધાયો
(આઝાદ સંદેશ),રાજકોટ: મૂળ જામજોધપુરના અને હાલ રાજકોટની લક્ષ્મણ ટાઉનશિપમાં ભાડાના ફલેટમાં રહી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવાનનું અપહરણ કરી તેને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે સાતેક શખ્સો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. ફરિયાદમાં ગૌતમ શૈલેષભાઇ મકવાણા (ઉ.22)એ જણાવ્યું છે કે ગઈ તા.4ના રોજ બપોરે રાણી ટાવર પાસે વાળ કપાવવા ગયા બાદ ત્યાં બેઠો હતો ત્યારે રાણી ટાવરમાં જ ઓફિસ ધરાવતાં ભરત સોસા ઉર્ફે ભુરો, મયુર સોલંકી, અવિનાશ રાઠોડ અને નરેશ તેની પાસે આવ્યા હતા. જેમાંથી મયુરે તેને તમાચો ઝીંકી, ધક્કો મારી નીચે પાડી દીધો હતો. એટલું જ નહીં તેનું ટીશર્ટ પણ ફાડી નાખ્યું હતું. તેના સહિત તમામ આરોપીઓએ તેને ગાળો ભાંડી હતી. ભરતે પણ ગાળો આપતા કહ્યું કે તું અહીં મને પુછયા વગર બેઠો તો તને ખબર નથી કે અહીંનો ડોન કોણ છે, હવે બીજીવાર દેખાણો તો જીવતો નહીં મુકુ તેમ કહેતાં ત્યાંથી નીકળી ગયો હતો.
ત્યાર પછી પોતાના રૂમે જતો રહ્યો હતો. જયાં રાત્રે તે અને તેનો ભાઈ ચેતન સૂતા હતા ત્યારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ હર્મિત, પરેશ ઉર્ફે પપ્પુ અને મુકેશ ઉર્ફે મુકો આઈ-10 કાર લઈને આવ્યા હતા. તેના રૂમે આવી ત્રણેય આરોપીઓએ કહ્યું કે અમારા ભુરાભાઈ કહે એટલે દરવાજા તોડીને પણ તને ઉઠાવી લઈએ એટલે તારે પ્રેમથી કારમાં બેસી જવાનું છે કે નહીં. તેણે ના પાડતાં ત્રણેય આરોપીઓએ કહ્યું કે પ્રેમથી નીચે આવ નહીંતર અહીં ભવાડા થશે. આ સ્થિતિમાં તે ભાડાના મકાનમાં રહેતો હોવાથી ઝઘડો થાય તો કોઈ મકાન ભાડે ન આપે તેમ હોવાથી નીચે ગયો હતો.
જયાં ત્રણેય આરોપીઓએ તેને કારમાં બેસી જવાનું કહ્યા બાદ હર્મિતે કહ્યું કે તારો ભાઈ ચેતન કેમ હવે ભુરાભાઈ સાથે કામ કરતો નથી. આ પછી તેને ધક્કો મારી કારમાં પરાણે બેસાડી, તમાચા ઝીંકયા બાદ ભુરાની ઓફિસે લઈ ગયા હતા. જયાં ભુરાએ કહ્યું કે હવે તારો ભાઈ અમારી સાથે કામ કરવાની હા પાડશે તો જ તને અહીંથી જવા દેવામાં આવશે. જેથી કાંઈ બોલ્યા વગર ઓફિસમાં ચૂપચાપ બેસી રહ્યો હતો. સવારના 6 વાગ્યા સુધી તેને ઓફિસે બેસાડી વોચ ગોઠવી દીધી હતી. તેને ઠંડી લાગતાં જવા દેવાનું કહેતાં અવિનાશે કહ્યું કે તારા ભાઈને કહેજે અમારી સાથે કામ કરે, અત્યારે તને જવા દઈએ છીએ, બાકી બીજી વાર પણ ઉઠાવી લેશું તેમ કહી જવા દીધો હતો. આ ઘટના બાદ બીક લાગતાં તે ગામડે જતો રહ્યો હતો. જેને કારણે મોડી ફરિયાદ નોંધાવી હતી.